Monday, November 14, 2016

એ સૂર્યનો તડકો

સૂર્યનો તડકો, સાંજ પડે જઈ આથમતો,
સાગરના પાણીએ શીતળ થઇ, લહેરે લહેરે છલકતો,
ભીની ભીની રેત પર સુઈ, મોઝાના હાલરડે ઝૂલતો,
છલક છલક છલકાતો.... સૂર્યનો તડકો.

ફૂલોની પાંખડીએ બેસતો, ને પર્ણની કિનારીએ રમતો,
ઝાકળમાં ઓગળી જઈ, નવી કળાએ ખીલતો,
ધરતીની ભીનાશને પામી, ફૂલોનો ધબકાર બનતો,
કૂંપળે કૂંપળે ફૂટતો... સૂર્યનો તડકો.

ગગન હિંડોળે મદમસ્ત ઝૂલતો, ને પવન વેગે ચોમેર વેરાતો,
વાદળ ચીરી ધરાને ચુમતો, ને ડુંગરે ડુંગરે જઈ વિહરતો,
એક સોનેરી જાજમ બની, ધરતીને કેવી શણગારતો,
મલક મલક મલકાતો... સૂર્યનો તડકો.


© 2016 અભિજીત પંડિત