Monday, September 10, 2012

વરસાદ

વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.
વરસતા, વરસતા, ધરતીના પ્રેમમાં એ તો કેવો ધોધમાર પડ્યો.
વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.

ઉઠ્યોતો એ સમુદ્રની સપાટીએથી,
વમળ થઇ એ તો કેવો ચગડોળે ચડ્યો.
રચ્યા વાદળ ઘેરા ઘેરા, ને આભ એ આખું આંબી ગયો.
ગાજવીજ સાથે એ તો કેવો મુશળધાર પડ્યો.
વરસાદ પડ્યો, કોકના પ્રેમમાં પડ્યો.

આવી ગઈ મિલનની વેળા, ધરતી થઇ કંઈ ભીની ભીની,
સુગંધ પ્રસરી ગઈ ચોતરફ,
કે હવાએ પણ એને માણી લીધી,
તરબોળ કરવા ધરતીના ખૂણે ખૂણા
એ તો કેવો બેશુમાર પડ્યો.
વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.

ટીપે ટીપે થયા ખાબોચિયા,
ઝરણા થઇ કંઈ વહી ગયા,
ટપ ટપ છાંટાઓએ કેટલાયેને ભીના કરી ગયા.
ક્યારે છાપરેથી પડ્યો, ક્યારે જ્હાડ પરથી પડ્યો.
શુષ્ક થઇ ગયેલી ધરતી પર એ તો કેવો અનરાધાર પડ્યો.
વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.


© 2012 Abhijit Pandit